ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમાં અમદાવાદમાં જ એક વીકમાં હીટ સ્ટોકના 6000 કેસ સામે આવ્યા છે જેમાં કોઈને પેટમાં દુખાવાની સમસ્યા તો કોઈ મુર્છીત થઈ રહ્યું તો અન્યને બીજી કોઈ સમસ્યા છે ત્યારે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા અને તેમાં પણ ગરમ પવનોથી લાગતી લુથી બચવા આ પગલાં લેવા જરૂરી છે.
વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.
લુ લાગવા (સન સ્ટોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. જેમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી,
ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જેવી અસરો થાય છે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટોકની વધુ અસર થવાની શક્યતા છે. અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. ગત વર્ષોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સન સ્ટોકના કારણે મુત્યુ નોંધાયેલ છે.
સન સ્ટોક કે લુથી બચવા આ સૂચનાઓને અનુસરો
• ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું .
• ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
• નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
• દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.
• ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
• ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
• માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.