પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. ભારતીય પોસ્ટે 18 મે 2022ના રોજ એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે કે, ગ્રાહકો માટે NEFT ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેથી હવે તે ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસ આરટીજીએસની સુવિધા પણ શરૂ કરવા જઈ રહી છે.
થોડા દિવસો પહેલા, સરકારે સંસદમાં આ માહિતી આપી હતી, પોસ્ટ ઓફિસ ટૂંક સમયમાં તેની ઘણી સેવાઓ ઓનલાઈન કરવા જઈ રહી છે. તેના બચત ખાતા સાથે સંબંધિત RTGS અને NEFT પણ સામેલ છે. NEFTની સુવિધા 18મી મે 2022થી શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, 31 મેથી આરટીજીએસની સુવિધા શરૂ કરવામાં આવશે.
NEFT શું છે ?
NEFT નો અર્થ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, જે ચુકવણીનો ઇલેક્ટ્રોનિક મોડ છે. ચુકવણીના આ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા, તમે તમારા પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આ સેવા વર્ષમાં 365 દિવસ અને 24 કલાક ઉપલબ્ધ છે.
RTGS શું છે ?
RTGS એટલે રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ. આ ચુકવણીનો એક ઇલેક્ટ્રોનિક મોડ પણ છે, જેના દ્વારા તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આ સેવા 365 દિવસ અને 24 કલાક પણ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે, દરેક પોસ્ટ ઓફિસ માટે સમાન IFSC કોડ જારી કરવામાં આવ્યો છે. કોડ IPOS0000DOP છે.