- જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 45 શાળાઓ
- ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે
જામનગર શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં આજે ગુરૂવારથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, જે લાંબા સમય બાદ આજથી ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જામનગરમાં ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ દિવસે 20 થી 25 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા.
વાલી પાસેથી સંમતિ પત્ર મેળવવો જરૂરી
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરની શરૂઆતથી જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વિદ્યાર્થીઓને અગવડતા પડી હતી. જોકે, હવે ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલી પાસેથી સંમતિ પત્ર મેળવી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
શાળામાં આવતા વિદ્યાર્થીઓને સેનીટાઇઝર, માસ્ક અને ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળામાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી સંમતિ પત્ર લઇ શાળામાં આપવાનું રહે છે, ત્યારબાદ જ અભ્યાસ માટે શાળામાં પ્રવેશ કરી શકે છે. ત્યારે સરકારની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરી શાળાઓ દ્વારા ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.